Get The App

મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી 1 - image


આમઆદમી પાર્ટીના કાર્યક્રમનો વીડિયો વાયરલ, પોલીસને અરજી

યુવાન પાસેથી માઈક લેવાનો પ્રયાસ કર્યો પણ નહીં આપતા ફડાકો ખેંચી લીધો, બન્ને યુવકને આમઆદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નહીં હોવાનો 'આપ'નો બચાવ

મોરબી: મોરબીના પંચાસર રોડ પર રાજનગર ખાતે ગઈકાલે આમઆદમી પાર્ટીની સભાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સંબોધન કરતા હતા ત્યારે એક યુવકે ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પૂછયો હતો, જેને અટકાવવા માટે એક કાર્યકરે માઈક ઝુંટવવાનો પ્રયાસ કરીને ફડાકો ઝીંકી દીધો હતો. જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ઉહાપોહ મચી ગયો છે. બીજી તરફ આપ કાર્યકરનાં કૃત્યનો ભોગ બનનાર યુવાને આજે પોલીસમાં અરજી આપતા કાર્યવાહી હાથ ધરાઈ છે. 

વિગત પ્રમાણે, મોરબીના રાજનગરમાં આયોજિત આમ આદમી પાર્ટીની જાહેરસભામાં ભરત ફૂલતરીયા નામનો સ્થાનિક યુવક પણ આવ્યો હતો અને બધા લોકો પ્રશ્નો પૂછતાં હતા, ત્યારે તેણે પણ આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર અંગે પ્રશ્ન પૂછયો હતો. એ સમયે જ ત્યાં એક કાર્યકર આવ્યો હતો અને માઈક પરત માંગ્યું હતું. પરંતુ યુવાને માઈક પરત નહીં આપતા એ કાર્યકરે તેને ફડાકો મારી દીધો હતો. આ બનાવનો વીડિયો વાયરલ થયા બાદ આજે યુવાને એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપીને કાર્યવાહી કરવા માંગ કરી હતી. 

બીજી તરફ વિવાદિત બનાવ અંગે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રભારી પંકજ રાણસરીયાએ જણાવ્યું કે, 'ગઈકાલે સાંજે સભાની તૈયારી કરતા હતા ત્યારે પણ એ યુવક ત્યાં આવીને ઉશ્કેરણીજનક વાતો કરતો હતો. અમે સભા અંગે મંજુરી લીધી હતી અને પોલીસ બંદોબસ્ત પણ માગ્યો હતો. વળી, ફડાકો મારનાર અશ્વિન પટેલ નામનો યુવક હોવાનું જણાયું છે જે પણ આમઆદમી પાર્ટીનો કોઈ હોદેદાર નથી.'

Tags :