યુવાનની ધમાલ આરતીના નામે ધતિંગો કરો છો કહી યુવાને મંદિરમાં તોડફોડ કરી
યુવાને ભગવાનના ફોટો, પૂજાપો સહિતનો સામાન નીચે ફેંકી દીધો ઃ પોલીસ પર હુમલો અને કાચ તોડયા
વડોદરા, તા.21 શહેરના આજવારોડ પર એકતાનગરમાં આવેલા હનુમાનજી મંદિરમાં સાંજે આરતીના સમયે આ વિસ્તારમાં રહેતો લઘુમતી કોમનો એક યુવાન આવ્યો હતો અને આરતીના નામે ધતિંગો બંધ કરો તેમ કહી મંદિરમાં તોડફોડ કરી હતી. પોલીસ આવીને મંદિરમાં તોડફોડ કરનાર યુવાનને એકતાનગર પોલીસચોકીમાં લઇ ગઇ ત્યારે પણ યુવાને પોલીસ પર હુમલો કરી કાચ તોડી નાંખ્યા હતાં.
એકતાનગરમાં મરાઠી મહોલ્લામાં રહેતા અક્ષય હરિશ સરાણીયાએ ગણપતિચોકમાં રહેતા ઇરફાન મોહંમદ શેખ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૦ના રોજ સાંજે અમે મંદિરમાં આરતી કરતા હતા ત્યારે ઇરફાન દોડીને મંદિરમાં આવ્યો હતો અને આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યુ હતું.
બાદમાં ઇરફાને મંદિરમાં ભગવાન શ્રીરામના ફોટો તેમજ મંદિરનો પૂજાપો અને આરતી વગાડવા માટે મંદિરમાં રાખેલ એમ્પ્લિફાયર સ્પિકર નીચે નાંખી દીધા હતાં. તેને રોકવા માટે જતા મને છાતીમાં લાતો મારી હતી અને મારું ગળું પકડી હુમલો કર્યો હતો. મારી માતા વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી નીચે પાડી દીધી હતી.
જ્યારે બાપોદ પોલીસના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવિણસિંહે ઇરફાન શેખ સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અંગેનો ગુનો નોંધાવી જણાવ્યું હતું કે કંટ્રોલરૃમના સંદેશાના પગલે હું તેમજ અન્ય પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતાં ત્યારે અક્ષયને પૂછતાં તેણે સમગ્ર વિગતો જણાવતા અમે ઇરફાનને ગાડીમાં બેસાડવા જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. તેને એકતાનગર પોલીસચોકીમાં લઇ જતા પોલીસના માણસો સાથે પણ તેને ઝપાઝપી કરી હતી અને પોલીસચોકીનો કાચ તોડી નાંખ્યો હતો.