બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી

- નવસારીના શખ્સો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો
- યુવાને ભાગીદારીમાં નવસારીના ઈસમ પાસેથી રૂ. 4.95 કરોડમાં જમીન રાખી હતી
બોટાદના વકીલ વાડી સરકારી હાઈસ્કૂલની પાછળ રહેતા કલ્પેશભાઈ ગોકુળભાઈ પરમારના નાનાભાઈ ભાવેશભાઈ ગોકુળભાઇ પરમારે તેના કૌટુંબીક ભાઈ હરેશભાઈ છગનભાઈ પરમાર તથા બનેવી રમેશભાઈ જાદવભાઈ જાદવ તથા જયેશભાઈ ઉર્ફે પોપટભાઇ વ્રજલાલ ચૌહાણ સાથે મળી ઉમેશ હરેશભાઇ ઓડ (રહે.નવસારી) પાસેથી અવળ રોડ ભોજાવદર વાવ નજીક રૂ.૪.૯૫ કરોડની લીઝ વેચાણથી રાખી હતી. જે લીઝ બંધ થઈ જતા ઉમેશ હરેશભાઈ ઓડએ લીઝ પરત લઈ ભાવેશભાઇ તથા હરેશભાઈ, રમેશભાઈના રૂપિયા પરત નહિ આપી ભાવેશભાઈને રૂપિયા પરત આપવા અંગે સતત વાયદા કરી તેઓના રૂપિયા પરત ન આપી ભાવેશભાઈ ગોકુળભાઈ પરમારને મરવા મજબુર કરતા ભાવેશભાઈએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કલ્પેશભાઈએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના શખ્સ સાથે અઢી વર્ષ પહેલા ઓળખાણ થઈ હતી
અઢી વર્ષ પહેલા કલ્પેશભાઈ તથા તેના નાનાભાઈ ભાવેશભાઈ ગોકુળભાઈ પરમાર તથા કૌટુંબીભાઇ હરેશભાઇ છગનભાઇ પરમાર તથા બનેવી રમેશભાઇ જાદવભાઇ જાદવ અળવ રોડ ઉપ૨ ભોજાવદર વાવ પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા ગયા ત્યારે જયેશભાઈ ઉર્ફે પોપટભાઇ વજ્રલાલ ચૌહાણ સાથે ઓળખાણ થઈ હતી અને જયેશભાઇ ઉર્ફે પોપટભાઇ વજલાલ ચૌહાણએ મિત્ર ઉમેશભાઈ હરેશભાઇ ઓડ સાથે ઓળખાણ કરાવી હતી અને સોદો નક્કી થયો હતો.









