Banaskantha Car Accident: બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીનો પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કુશકલ પાટિયા નજીક સાંસદની ગાડીએ એક યુવકને ટક્કર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં પીડિત પરિવાર દ્વારા સાંસદની હાજરી અને તેમના માણસો દ્વારા પુરાવા નાબૂદ કરવાના ગંભીર આક્ષેપ કરાયો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા કુશકલ પાટિયા પાસેથી સાંસદ ગેનીબેન ઠાકોરનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની ગાડીએ એક સ્થાનિક યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.
ઇજાગ્રસ્તના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા. અકસ્માત બાદ જ્યારે લોકોએ મોબાઈલમાં ઘટનાના ફોટા અને વીડિયો લેવાનું શરૂ કર્યું, ત્યારે સાંસદના માણસોએ તે વીડિયો બળજબરીથી ડિલીટ કરાવી દીધા હતા. અકસ્માત બાદ સાંસદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવા કે મદદ કરવાને બદલે ત્યાંથી રવાના થઈ ગયા હતા. જો કે, બીજા દિવસે તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.
પરિવારની માંગ અને કાયદેસરની કાર્યવાહી
પીડિત પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલ તેમની પ્રાથમિકતા યુવકને યોગ્ય અને વ્યવસ્થિત સારવાર મળે તે છે. સારવાર બાદ આ સમગ્ર મામલે જે પણ જવાબદાર હશે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી. પરંતુ વીડિયો ડિલીટ કરાવવાના આક્ષેપે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જગાડી છે.


