Gujarat

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત

By GS TEAM
19 Feb 20261 min read
મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત

વડોદરા,મુજમહુડાથી અક્ષર ચોક તરફ જતા રસ્તા  પર હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ટુ વ્હિલર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.

પાદરા તાલુકાના જાસપુર ગામે રહેતા ભરતજી નગીનલાલ પંડયા, તેમના પત્ની અવંતિકાબેન તથા પિતરાઇ બહેન હેતલબેન ગાજણ સાથે ગત ૧૭ મી તારીખે ભાયલી ગામે ગયા હતા. અવંતિકાને ભાયલી ગામે કામ હોઇ તેઓેને ત્યાં મૂકીને ભરતજી પંડયા અને  તેમની પિતરાઇ બહેન હેતલ ટુ વ્હિલર પર વડોદરા આવી રહ્યા હતા.મુજમહુડા સર્કલથી અક્ષર ચોક તરફ જવાના રસ્તા  પરથી તેઓ જતા હતા. તે દરમિયાન એક કાર ચાલક  તેઓને ટક્કર મારીને  ફરાર થઇ  ગયો હતો. અકસ્માતના કારણે ભરતજી પંડયા અને તેમના બહેન રોડ પર ફંગોળાઇને પડયા હતા. ભરતજી પંડયાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે હેતલબેનને સામાન્ય ઇજા થઇ હતી. ભરતજી પંડયાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ભરતજીનું મોત થયું છે. જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કરી ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.