વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત સરકારના કોમન યુનિવર્સિટી એકટને આગળ ધરીને વિદ્યાર્થી સંઘને તો નિષ્ક્રિય કરી જ નાંખ્યો છે પણ વિદ્યાર્થીઓ માટેના યૂથ ફેસ્ટિવલના આયોજન પર પણ બ્રેક મારી દીધી છે.
યુનિવર્સિટીમાં સતત સાતમા વર્ષે વિદ્યાર્થીઓ માટે યૂથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં નથી આવ્યું.સૌથી પહેલા ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોનાના કારણે યૂથ ફેસ્ટિવલ યોજાયો નહોતો.એ પછી વાઈસ ચાન્સેલર બનેલા ડો.વિજય શ્રીવાસ્તવે યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીની સાથે યૂથ ફેસ્ટિવલ યોજવાનું પણ બંધ કરાવી દીધું હતું.રાજ્ય સરકારના કોમન યુનિવર્સિટી એકટ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.એટલું જ નહીં સત્તાધીશોએ વિદ્યાર્થી સંઘની પ્રવૃત્તિ માટે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાનું બંધ કરી દીધું છે.જેના કારણે યૂથ ફેસ્ટિવલ યોજવા માટે પહેલા અલાયદુ રખાતું ભંડોળ પણ હવે નથી.યૂથ ફેસ્ટિવલના કારણે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળતો હતો.ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી શકતા હતા.જોકે યુનિવર્સિટીના સત્તાધીશોને આ બાબતની પડેલી નથી.બીજી તરફ ફેકલ્ટી સ્તરે યોજાતા યૂથ ફેસ્ટિવલ પણ બંધ થઈ ગયા છે.ફેકલ્ટી ડીનોને પણ તેના આયોજનમાં કોઈ રસ નથી.


