જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એસિડ પી લેનાર યુવાન ભાનમાં આવતાં પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો
જામનગરમાં તિરૂપતિ પાર્ક સોસાયટી શેરી નંબર -7માં રહેતા લલિત ચંદ્રકાંતભાઈ સુરાણી નામના 28 વર્ષના વાણંદ યુવાને બે દિવસ પહેલાં એસિડ પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર બાદ પોતે ગઈકાલે ભાનમાં આવ્યો હતો, ત્યારે પોતે વ્યાજખોરના વિષચક્રમાં ફસાઈ ગયો હોવાથી તેના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. કે. એ. ચાવડા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પોતે મચ્છર નગર વિસ્તારમાં રહેતા વિશ્વરાજસિંહ જાડેજા નામના વ્યાજખોર શખ્સ પાસેથી અઢી લાખ રૂપિયા માસિક ૨૦ ટકા લેખે વ્યાજે લીધા હતા. અને તે રકમ ના બદલામાં બે લાખ સાઈઠ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વિશ્વરાજસિંહ જાડેજા દ્વારા ધાક ધમકીઓ અપાઇ હતી, અને વધુ વ્યાજ તથા મુદ્દલની માંગણી કરાતાં અને પોતાના કોરા ચેક લખાવી લીધા હોવાથી તેના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે એસીડ પી લીધું હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે લલિત સુરાણીની ફરિયાદ ના આધારે વિશ્વરાજસિંહ જાડેજા સામે ધી મની લેન્ડર્સ એક્ટ ની કલમ 39,40,40,42 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 351(2) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ ધરી છે.