Gujarat

વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત

By GS TEAM
1 Dec 20251 min read
વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત

- મૃતક પાટડીના હેબતપુર ગામનો રહેવાસી, વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી

ડુમાણા : વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે સાંજે ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં ઊભી હતી. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બાઇક સવાર રાજેશ ઉર્ફે રાજુભાઈ બિજલભાઈ કેહડિયા (રહે. હેબતપુર ગામ, તા. પાટડી)નું ગંભીર ઇજાઓથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બાવળા નજીક હાવઇ પર ગેરકાયદે પાર્ક વાહન પાછળ પીકઅપ વાહન અથાડાતા અમદાવાદના કેટર્સના ચાર સભ્યના મોત નીપજ્યાં હતા.