ફતેગંજ બ્રિજ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવકનું મોત

વડોદરા,પંડયા બ્રિજ ઉતરતા અને ફતેગંજ બ્રિજ પર સ્ટિયરિંગ પરનો કાબૂ નહીં રહેતા બે ટુ વ્હિલર ચાલકો પટકાયા હતા. જે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતના કુલ ચાર બનાવમાં ચાર લોકોના મોત થયા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, આજવારોડ ધ પેલેસમાં રહેતો કિશન રમેશભાઇ આચાર્ય (ઉં.વ.૨૧) આજે વહેલી સવારે નોકરી પરથી છૂટીને ઇસ્કોન મંદિરે દર્શન કરીને ઘરે જતો હતો. ફતેગંજ બ્રિજ પરથી પસાર થતા સમયે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે બાઇક ડિવાઇડર સાથે અથડાતા તે રોડ પર ફંગોળાઇને પટકાયો હતો.ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.જે અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, વી.આઇ.પી. રોડ સફેદ વુડાના મકાનમાં રહેતો ઇશ્વર રાજુભાઇ પરમાર મોપેડ લઇને ગત ૨૦ મી તારીખે મળસ્કે પોણા ચાર વાગ્યે પંડયા બ્રિજ ઉતરી ગોરવા તરફ જઇ રહ્યો હતો. જ્યોતિ સર્કલ નજીક સ્ટિયરીંગ પર કાબૂ નહીં રહેતા તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન ગઇકાલે બપોરે તેનું મોત થયું છે. ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે ત્રીજા અકસ્માતની વિગત એવી છે કે, ગઇકાલે વહેલી સવારે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર પાદરાથી વાસદ તરફ જતા રોડ પર મીની નદીનો ઢાળ ઉતરતા ટ્રેલર અને આયશર વચ્ચ ેઅકસ્માત થયો હતો. જેથી, હાઇવે પેટ્રોલિંગ કરતો પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ સિંગલ લાઇન ચાલુ રાખી ટ્રાફિક ક્લિયર કરાવતી હતી. તે દરમિયાન એક આયશર ટેમ્પાના ડ્રાઇવરે અન્ય વાહનને પાછળથી અથાડી અકસ્માત કર્યો હતો. આયશરના ડ્રાઇવર મોહસીન ઉસ્માનભાઇ ચૌહાણને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કર્યો છે.








