Gujarat
થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
By GS TEAM
16 Jun 20251 min read

- ગામની સીમમાં યુવક કામ કરી રહ્યો હતો દરમ્યાન અચાનક વીજળી ત્રાટકી
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં શનિવારે મોડીસાંજે પલટો આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ પવન તેમજ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. ત્યારે થાન તાલુકાના સરોડી ગામની સીમમાં વિજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
થાન તાલુકામાં શનિવારે મોડીસાંજે વાતાવરણમાં પલટા બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં વિજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ખાબકતા થાનના સરોડી ગામની સીમમાં વિજળી પડતા યુવક અરવિંદભાઈ કરશનભાઈ રોજાસરાનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવથી યુવકના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને યુવકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગામના સરપંચ સહિત આગેવાનો અને પરિવારજનો ઉમટી પડયા હતા.









