Gujarat

વાઘોડિયા બ્રિજ પાસે વાહનની અડફેટે શ્રમજીવીનું મોત

By GS TEAM
5 Feb 20261 min read
વાઘોડિયા બ્રિજ પાસે વાહનની અડફેટે શ્રમજીવીનું મોત

 વડોદરા,બે દિવસ પહેલા જ વતનથી વડોદરા મજૂરી કામ કરવા આવેલા શ્રમજીવી યુવકનું હાઇવે  પર વાહનની અડફેટે મોત થયું હતું. જે અંગે કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા બ્રિજ પાસે વાહનની અડફેટે ઘાયલ યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે કપુરાઇ  પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. મરનાર યુવક  ઘટના સ્થળની આજુબાજુ જ રહેતો હોવાની શક્યતાના આધારે  પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન મજૂરી કામ કરતા લોકો  પણ તેમના સાથીદારને શોધી રહ્યા હતા. પોલીસે તેઓને  હોસ્પિટલ લઇ જઇ મૃતદેહ બતાવતા મરનારનું નામ અશ્વિન બળવંતભાઇ બારિયા, ઉં.વ.૩૫ (રહે. મેરફ ગામ, ગોધરા, જિ.પંચમહાલ) હોવાનું ખૂલ્યું હતું. અશ્વિન બે દિવસ પહેલા જ વતનથી સેન્ટિંગનું કામ કરવા માટે વડોદરા આવ્યો હતો. ગઇકાલે સાંજે તે શાકભાજી ખરીદવા નીકળ્યો હતો. તે દરમિયાન વાઘોડિયા બ્રિજ પાસે અકસ્માતમાં તેનું મોત થયું હતું.