Gujarat

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

By GS TEAM
26 Aug 20251 min read
બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

માણસા :  માણસા બાપુપુરા હાઇવે પાસે આવેલી કેનાલ નજીક ગત રવિવારે રાત્રિના સમયે એક રાજસ્થાની યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના પરિવારજનોને જાણ થતા તેઓ માણસા દોડી આવ્યા હતા અને આ બાબતે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કાકણ સાગવાડા ગામનો મૂળ રહેવાસી અને વતનમાં રહી છૂટક મજૂરીનું કામ કરતો ૪૨ વર્ષીય યુવક પ્રકાશ બંસીલાલ મેઘવાલ ગત રવિવારે રાત્રે માણસા બાપુપુરા હાઇવે રોડ પર આવેલ કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી જેના કારણે યુવકને માથાના ભાગે તેમજ મોઢા પર ગંભીર ઇજાઓ થઈ હતી તો અકસ્માતની જાણ થતા આજુબાજુ થી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત ને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

 પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું બીજી બાજુ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ પણ માણસા દોડી આવ્યા હતા જે બાદ મૃતક ના ભાઈએ અકસ્માત સર્જી મોત નીપજાવનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.