ડાકોર રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત
- જાખેડનો યુવાન ડાકોર તરફ જતો હતો
- ડાકોરથી ગોધરા 90 કિલોમીટર ડબલટ્રેકના કામથી અકસ્માતો વધ્યા
ડાકોર : ડાકોર રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેનની અડફેટે જાખેડના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ડાકોરથી ગોધરાની ૯૦ કિ.મી.ની રેલવે લાઈનને ડબલટ્રેક કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.
જાખેડ ગામના કાંતિભાઈ પરમાર આજે સવારે ૮.૩૦ના અરસામાં ડાકોર બાજુ આવી રહ્યા હતા. ત્યારે ગોધરા તરફથી આવતી પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડાકોરથી ગોધરા જતી ૯૦ કિ.મી.ની રેલવે લાઈનમાં હાલ ડબલટ્રેકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અગાઉ ઠાસરાના મહિલા ડૉક્ટરનું પણ આજ રીતે ટ્રેનની અડફેટે મોત થયું હતું. છેલ્લા વર્ષમાં પાંચ જેટલા વ્યક્તિઓનું ટ્રેનની અડફેટે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.