વડસર બ્રિજ પર બૂલેટ વીજ થાંભલા સાથે અથડાતા યુવકનું મોત
બૂલેટના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરી પોલીસ મૃતકના ઘર સુધી પહોંચી
વડોદરા,મોડીરાતે વડસર બ્રિજ પર પૂરઝડપે જતા બૂલેટ ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા યુવક ડિવાઇડરમાં ફિટ કરેલા વીજ થાંભલા સાથે અથડાતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું.
આણંદ મંગલપુરા રોડ ગણેશ ચોકડી પાસે શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતો વિશાલ તેની પત્ની અને નાના ભાઇ કિશન (ઉં.વ.૧૯) સાથે છેલ્લા ત્રણ મહિનાથી માંજલપુર અલવા નાકા કોતર તલાવડી નજીક તુલજા નગરમાં ભાડેથી રહેવા આવ્યો હતો. બંને ભાઇઓ મકરપુરા જી.આઇ.ડી.સી.માં રોનક રેડિયેટર કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે રાતે ૯ વાગ્યે કિશન બૂલેટ લઇને નોકરી પર ગયો હતો. રાતે બે વાગ્યે નોકરી પરથી ઘરે આવવા નીકળ્યો હતો. વડસર બ્રિજ પર પૂરઝડપે જતા કિશને સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બૂલેટ ડિવાઇડરની વચ્ચે ફિટ કરેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. કિશનને ગંભીર ઇજા થતા આજુબાજુના લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બીજી તરફ માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા બૂલેટના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૃ કરી પોલીસ કિશનના ઘરે પહોંચી હતી અને કિશનના ભાઇને જાણ કરી હતી.