LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત

અમદાવાદ,રવિવાર
ગુજરાત પોલીસના સંખ્યાબળને વધારવા માટે લોકરક્ષક દળના જવાનોની ૧૨ હજાર નવી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરાયો હતો. જેમાં ૨૦ માર્કસના ગુજરાતી વિષયમાં જે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પુછવામાં નહી આવે. પરંતુ, પરીક્ષામાં ૧૦ માર્કસના વ્યાકરણના પ્રશ્નો પુછવામાં આવતા હજારો વિદ્યાર્થીઓના પરીક્ષામાં પાસ થવાને લઇને ચિંતા જોવા મળી રહી છે. જે અનુસંધાનમાં પરીક્ષા બોર્ડના વડા નિરજા ગોટરૂને મળીને વ્યાકરણના પ્રશ્નના ૧૦ માર્કસ ઓછા કરીને પરિણામ જાહેર કરવા માટે માંગણી કરી છે. પરંતુ, હજુ સુધી કમિટી દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
રાજ્યના ગૃહવિભાગે ગુજરાત પોલીસ સંખ્યાબળ વધારવા માટે લોક રક્ષક દળની ૧૨ હજાર જગ્યાઓ જાહેર કરી હતી. જેની શારીરિક પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી ૨.૩૭ લાખ યુવાનોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમમાં ૮૦ માર્કસના પેપરમાં ૩૦ ગુણ ડેટા એનાલીસીસના , ૩૦ માર્ક માત્રાત્મક યોગ્યતા અને ૨૦ માર્કસ ગુજરાતી વિષયમાં વિગતથી ફકરા લખવા માટેના હતા. પરંતુ, પરીક્ષાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટતા ન થઇ હોવાથી આ બાબતે તે સમયના બોર્ડના ચેરમેન હસમુખ પટેલને મળીને રજૂઆત કરી હતી. ત્યારે તેમણે તેમની યુ ટયુબ ચેનલ પર આ અંગે કહ્યુ હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન પુછવામાં નહી આવે.
જેથી ૨.૩૭ લાખ પરીક્ષાર્થીઓએ ગુજરાતીના વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયારીઓ કરી હતી. પરંતુ, પરીક્ષામાં ૧૦ માર્કસનો વ્યાકરણનો પ્રશ્ન પુછાયો હતો. જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારનો હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ તેનો જવાબ લખી શક્યા નથી. આ બાબતને ગંભીરતાથી લઇને પરીક્ષાર્થી યુવાનોએ ડીજીપીને મળીને રજૂઆત કરી હતી અને ડીજીપીએ તેમને પોલીસ ભરતી દળના વડા નિરજા ગોટરૂને મળવા માટે સુચના આપી હતી. યુવાનોએ તેમને મળીને રજૂઆત કરી હતી કે ૧૦ માર્કસના વ્યાકરણના પ્રશ્નને કારણે મોટાભાગ પરીક્ષાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થઇ શકે તેમ છે. જેથી આ ૧૦ માર્કસને હટાવીને પરીક્ષાને ૭૦ માર્કસની ગણીને તેના આધારે પાસ થવાના ૪૦ ટકા માર્કસની ગણતરી કરવામાં આવે. જેથી યુવાનોનું ભવિષ્ય ન બગડે. જે અંગે નિરજા ગોટરૂએ ખાતરી આપી હતી કે કમિટીની મિટીંગમાં આ નિર્ણય લઇને યોગ્ય કરવામાં આવશે. પરંતુ, હજુ સુધી આ બાબતે કોઇ નિર્ણય ન આવતા પરીક્ષાર્થીઓની ચિતા વધી છે.








