- ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટયાં
- યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ અપમૃત્યુ નોંધી પોલીસની વધુ તપાસ
આણંદ : આણંદ શહેરના ઈસ્માઈલનગર બ્રિજ ઉપરથી યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી હતી.
આણંદ શહેરના ઈસ્માઈલનગર બ્રિજ ઉપરથી ગત રોજ સાંજના સુમારે એક યુવકે પડતું મૂક્યું હતું જેને લઇ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે ઉમટયા હતા. દરમિયાન સ્થાનિકોએ આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા બ્રિજ ઉપરથી પડતું મૂકનાર યુવક ૩૫ વર્ષીય સંતોષભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તેને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવામાં આણંદ શહેર પોલીસે અપમૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


