Gujarat
આણંદના બાકરોલ ગામમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
By GS TEAM
17 Sep 20251 min read

- મૃતદેહને પીએમ માટે મોકલાયો
- મિલકતોની લે-વેચની દલાલીનું કામ કરતા યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ
આણંદ : આણંદ પાસેના બાકરોલ ગામના મિલકતોની લે-વેચની દલાલીનું કામ કરતા યુવકે અગમ્ય કારણોસર આજે ઘર નજીક આવેલા લીમડાના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આણંદ પાસેના બાકરોલ ગામમાં રહેતા ૪૪ વર્ષીય દિનેશકુમાર ચીમનભાઈ મેકવાન મિલકતોની લે-વેચની દલાલીનું કામ કરતા હતા.
આજે વહેલી સવારના સુમારે કોઈ અગમ્ય કારણસર દિનેશકુમાર મેકવાને ઘર નજીક આવેલા લીમડાના ઝાડની ડાળી સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ આસપાસના રહીશોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાનગર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આપઘાત કરવા પાછળનું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.








