વૃદ્ધને વિશ્વાસમાં લઇ ગઠિયાએ ક્રેડિટ કાર્ડથી ૩૭ લાખની છેતરપિંડી આચરી
આરોપીએ અનેકને ચુનો લગાવ્યાનું સામે આવ્યું
સિનિયર સિટીઝન નામે ૧૦થી વધુ ક્રેડિટ કાર્ડ લઇને તેના દ્વારા નાણાં ઉપાડવાની સાથે મોટાપાયે ખરીદી કરી
અમદાવાદ,ગુરૂવાર
શહેરના સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા કીર્તીસાગર એપાર્ટમેન્ટમાં રહેતા એક સિનિયર સિટીઝન સાથે વિશ્વાસ કેળવીને એક યુવકે તેમના નામે ૧૦થી વધુ ક્રેડિટ કાર્ડ લઇ તેના દ્વારા ૩૭ લાખની જેટલી રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર આવેલા કીર્તીસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૩ વર્ષીય અનિલભાઇ ઠક્કરનો વર્ષ ૨૦૧૮માં દેવાંગ ભદ્રેશા (પંચધારા પ્લાઝા, નર્હરૂનગર) સાથે થયો હતો. તેણે અનિલભાઇને ક્રેડિટ કાર્ડ લેવાની વાત કરી હતી. આ સમયે અનિલભાઇ બિમાર રહેતા હોવાથી દેવાંગ તેમના ઘરે કાળજી રાખવાની સાથે દવાખાને લેવા મુકવામાં મદદ કરતો હોવાથી અનિલભાઇ તેમના નામનું ક્રેડિટ કાર્ડ અપાવ્યું હતું. જેના હપતા દેવાંગ ભરતો હતો. આ ઉપરાંત, તેણે અનિલભાઇ પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ દરમિયાન તેણે અનિલભાઇ પરવાનગી લઇને અલગ અલગ બેંકોના ૧૦ જેટલા ક્રેડિટ કાર્ડ લીધા હતા. એક મહિના સુધી કાર્ડના નાણાં ચુકવ્યા બાદ તેણે અચાનક નાણાં ભરવાના બંધ કરી દીધા હતા અને અનિલભાઇને જાણવા મળ્યું હતુ કે તેણે કુલ ૩૭ લાખનો ખર્ચ કરીને છેતરપિંડી કરી હતી અને તેના મોબાઇલ સ્વીચ ઓફ આવતા હતા.
તેમણે દેવાંગના ઘરે જઇને તપાસ કરતા તેના પરિવારજનોેએ જણાવ્યું હતું કે દેવાંગ સાથે તેમને કોઇ સંબધ નથી અને દેવાંગ તેમના કહ્યામાં નથી તેવી નોટિસ પણ આપી છે. છેવટે આ અંગે અનિલભાઇએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે.