Gujarat

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી

By GS TEAM
31 Jul 20252 mins read
વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી

સેક્ટર-૧૯માં રહેતો મૂળ હરિયાણાનો યુવાન ભોગ બન્યો

ઓછા બેન્ડ આવ્યા હોવા છતાં એડમિશન આપવાનું કહીને છેતરપિંડી કરનાર બે સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર ૧૯માં રહેતા મૂળ હરિયાણાના યુવાનને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાના બહાને મહિલા સહિત બે વ્યક્તિઓ દ્વારા ૭.૫૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં વિદેશમાં નોકરી કે પછી અભ્યાસ અર્થે યુવાનોને મોકલવાના બહાને તેમની સાથે લાખો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના ૧૯માં રહેતો અને મૂળ હરિયાણાનો યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. જે સંદર્ભે તેના પિતા કૃષ્ણકુમાર શીવદાનસિંઘ યાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેમનો પુત્ર બીપીનકુમાર યાદવ ગાંધીનગરમાં રહીને આઈઈએલટીએસની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો સંપર્ક ભાવિકા પટેલ સાથે થયો હતો અને તેને ઓછા બેન્ડ હોવા છતાં વિદેશમાં સારી યુનિવસટીમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી અને કેવલ ઉપેન્દ્રભાઈ પટેલ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો. કેવલે જર્મનીમાં સારી ઓળખાણ હોવાનું કહીને ૭.૫૦ લાખ રૃપિયામાં એડમિશન અપાવવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન બીપીને કેવલના ખાતામાં ૧.૪૯ લાખ જમા કરાવ્યા હતા ત્યારે ઇ-મેલ આઇડી ઉપર હોમબોલ્ટ યુનિવસટીનો નકલી એડમિશન લેટર મોકલ્યો હતો. ત્યારબાદ વધુ રૃપિયાની માંગણી કરતા કેવલે તેની માતાના ખાતામાં ૪.૬૧ લાખ રૃપિયા જમા કરાવડાવ્યા હતા અને ભાવિકાને ૧.૪૦ લાખ રૃપિયા રોકડા આપ્યા હતા. જેથી આ લેટરની સેક્ટર ૧૬માં આવેલી ઓવરસીઝ ક્લાસીસમાં ચકાસણી કરાવતા તે લેટર બોગસ હોવાનું બહાર આવ્યું હતું અને કેવલ પટેલનો સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને તપાસ કરતા તેણે આ પ્રકારે અન્ય વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી હાલ આ અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.