માણાવદરમાં પૈસા માટેના ઝઘડામાં મિત્રોના હાથે યુવકની કરપીણ હત્યા
પુરાવાનો નાશ કરવા લાશને ઢસડી નદીમાં નાખી દીધી હતી : 3 શખ્સો સામે ગુનો નોંધાયો, 2ની ધરપકડ, 1ને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં હાથ ધરાયેલી તપાસ
જૂનાગઢ, : માણાવદરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવક સાથે રૂા. 2,000ની લેતી દેતી બાબતે ઝઘડો થતાં તેના ત્રણ મિત્રોએ લાકડાનો ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યા બાદ યુવકની લાશને ઢસડી રસાલા ડેમ નદીમાં નાખી દીધી હતી. માણાવદર પોલીસે યુવકના મૃતદેહને જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. પોલીસે હત્યા નીપજાવનાર ત્રણ પૈકી બે યુવકોને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ, માણાવદરના રાવલપરા વિસ્તારમાં રહેતો અને મજૂરી કરતો રોહિત ભુપતભાઈ સોલંકી છેલ્લા આઠ દસ દિવસથી માણાવદર ખાતે તેના મિત્ર રમેશ ઉર્ફે દિનેશ બચુભાઈ સોલંકી સાથે જ ફરતો અને તેના ઘરે જ રહેતો હતો. રમેશભાઈના ઘરે તેના મહેમાનના બે દીકરા દિલીપભાઈ કિશોરભાઈ અને અજય ધીરૂભાઈ બંને(રહે. જાંબુડી વિસાવદર) પણ હતા. તા. 10ના સવારે રોહિત, દિલીપ અને અજયભાઈ સાથે ચા પાણી પીવા ગયા બાદ રસાલા ડેમે થઈ રમેશભાઈના ઘરે પરત ફર્યા હતા. રોહિત સોલંકી પાસે રૂા.૨ હજાર હતા. જેથી સાથે રહેલા દિલીપભાઈ, અજયભાઈ તથા રમેશભાઈ ત્રણેય મિત્રોએ રોહિત પાસે રૂપિયા માગ્યા હતા. રૂપિયા આપવાની ના પાડતા લેતી દેતી બાબતે ઝઘડો ઉગ્ર થયો હતો અને રોહિતના કાન ઉપર તથા માથામાં ધારદાર લાકડાનો ઘા ઝીંકતા ગંભીર ઈજા થવાથી રોહીતનું મોત થયું હતું. ત્યારબાદ ત્રણેય મિત્રોએ પુરાવાનો નાશ કરવા રોહિતની લાશને ઢસડી માણાવદર બાટવા રોડ પર રસાલા ડેમ નદીમાં નાખી દીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા.
બનાવ અંગે રોહિત સોલંકીના ભાઈ રવિભાઈ સોલંકીએ રમેશ ઉર્ફે દિનેશ બચુ સોલંકી, દિલીપ કિશોરભાઈ અને અજય ધીરૂભાઈ સામે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો કરી રોહિતની હત્યા નિપજાવ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. માણાવદર પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી રમેશ ઉર્ફે દિનેશ બચુ સોલંકી અને જાંબુડી સામે રહેતા દિલીપ કિશોરભાઈને માણાવદરથી ઝડપી લીધા છે અને ફરાર જાંબુડીના યુવક અજય ધીરૂભાઈને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યાનું મૂળ કારણ શોધવા ઝડપાયેલ બંને શખ્સોની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે અને રોહિત સોલંકીના મૃતદેહને જામનગર પેનલ પીએમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ત્રણેય મિત્રો નશો કરેલ હતા.