સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sayla News : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની મોત શંકાસ્પદ જણાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો
ઘટનાની વિગત મુજબ, સાયલામાં માલિક જ્યારે પોતાની વાડીએ આંટો મારવા ગયા હતા, ત્યારે કૂવામાંથી અસહ્ય દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. કૂવામાં જોતા જ એક માનવ દેહ તરતો દેખાતા વાડી માલિકે તરત જ પોલીસને જાણ કરી હતી. મૃતદેહ એટલી હદે કોહવાયેલી હાલતમાં હતો કે તેને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. લાંબી જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસના અનુમાન મુજબ, આ મૃતદેહ અંદાજે ચારથી પાંચ દિવસ જૂનો હોવાનું જણાય છે. યુવાન કોણ છે અને કૂવામાં કેવી રીતે પડ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. શું આ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી કોઈએ હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી છે? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક મૃતદેહનો કબજો મેળવી યુવકની ઓળખ માટે આસપાસના ગામોમાં જાણ કરવામાં આવી છે.
મૃતદેહને પીએમ માટે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કેસની ગંભીરતા અને શંકાસ્પદ સંજોગોને જોતા પેનલ પીએમ કરાવવા માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં સાયલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








