માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો
નાચતા યુવકોને ધક્કા મુક્કી નહીં કરવાનું કહેતા હુમલો કર્યો
વડોદરા,માંજલપુરમાં ગણેશજીની શોભાયાત્રામાં ધક્કા મુક્કી નહીં કરવાનું કહેનાર યુવક પર ચપ્પુના ઘા ઝીંકી દેનાર આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે.
માંજલપુર વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટરની સામે રહેતા ૨૧ વર્ષના રાજેન્દ્રસિંહ અજીતસિંહ પઢિયારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે માંજલપુરના રાજા ગણપતિનું આગમન હોઇ હું તથા મારા મિત્રો શોભાયાત્રા જોવા માટે ગયા હતા.અમે લોકો કુબેરેશ્વર મંદિરની સામે રોડ વચ્ચેના ડિવાઇડર પર ઉભા હતા. શોભાયાત્રામાં નાચતા લોકો ધક્કા મુક્કી કરતા હોઇ મેં તેઓને ધક્કા નહીં મારવા કહ્યું હતું. જેથી, આશિષ ચંદ્રકાંતભાઇ સોલંકી (રહે. રણછોડજી ફળિયું, માંજલપુર) દોડી આવ્યો હતો. તું કોણ કહેવા વાળો ? તેવું કહીને તેણે ચપ્પુ વડે મારા પર હુમલો કરી પેટની ડાબી બાજુ બે ઘા ઝીંકી દીધા હતા. તે દરમિયાન રાહુલ પણ દોડી આવ્યો હતો. તેણે પણ મને માર માર્યો હતો. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.