વડોદરા,જ્ઞાાતિના ટ્રસ્ટનો હિસાબ માંગનાર યુવક પર મહોલ્લાના બે યુવકોએ ચાકૂ અને પાઇપથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. જે અંગે ઇજાગ્રસ્તે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાડી મોગલવાડા ખાનગાહ મહોલ્લામાં રહેતા મોહંમદયુનુસ ઇબ્રાહિમભાઇ તાતગીરી માંજલપુર અલવાનાકા અમૃતનગર ખાતે એ - વન સ્ક્રેપના નામે ટુ વ્હીલર ગાડીઓના સ્ક્રેપનો ધંધો કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી જ્ઞાાતિમાં તાતગીરી નામનું ટ્રસ્ટ ચાલે છે.ગઇકાલે હું મારી દુકાને હતો. બપોરે પોણા બે વાગ્યે અમારા વોટ્સએપ ગૃપમાં મેં વોઇસ મેસેજ મૂક્યો હતો કે, આપણા ૩૦ વર્ષ જૂના ટ્રસ્ટનો હિસાબ જ્ઞાાતિના લોકો માંગે છે. જેનો હિસાબ આપશો. ત્યારબાદ બપોરે ચાર વાગ્યે અમારા મહોલ્લામાં રહેતા કબીર મોહંમદસબીરભાઇ મનસુરી, મોહંમદ કેફ ઉર્ફે બાંગડો સજ્જાદભાઇ સૈયદ આવ્યા હતા. કબીરે મને કહ્યું કે, તું મારા કાકા પાસે શાનો હિસાબ માંગે છે ? તેણે ઝઘડો શરૃ કરી ચપ્પુ કાઢી મારા પર હુમલો કરી કપાળ પર ઇજા પહોંચાડી હતી. કેફે મારા સ્ક્રેપમાં પડેલી લોખંડની પાઇપથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી ગાળો બોલી ધમકી આપી હતી કે, હવે ટ્રસ્ટનો હિસાબ માંગીશ તો તને જાનથી મારી નાંખીશ.
જ્યારે ખાનગાહ મહોલ્લામાં રહેતા રિક્ષા ડ્રાઇવર મહંમદરફિક ઇબ્રાહિમભાઇ તાતગીરાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા ભાઇ મોહંમદયુનુસની ખબર જોયા પછી રાતે સાડા નવ વાગ્યે હું ઘરે આવ્યો હતો. તે સમયે અમારા મહોલ્લાની સામે રહેતો અરકાન અલતાફભાઇ મનસુરીએ આવીને મને કહ્યું કે, તમારા ભાઇએ મારા મિત્રો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપી છે. તે પરત ખેંચી લો. તેણે ઉશ્કેરાઇને મને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


