ટ્રેડ કરવાના નામે 12 લાખ ટ્રાન્સફર કરાવી લેવાના બનાવમાં યુવકની ધરપકડ
વડોદરાઃ ઓનલાઇન ટ્રેડ કરવાના નામે વડોદરાના યુવક સાથે થયેલી છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને મહેસાણાથી ઝડપી પાડી સાયબર સેલને સોંપ્યો છે.
સયાજીપુરા રોડ પર અવધૂત ટાવરમાં રહેતા પ્રવિણભાઇ સાથે ઓગષ્ટ-૨૦૨૩માં ઓનલાઇન ઠગાઇ થઇ હતી.જેમાં એન્જલ વર્લ્ડ ફાઇનાન્સના નામે શ્રધ્ધા પટેલે મેસેજ પર વાત કર્યા બાદ અન્ય સાગરીતોએ લોભામણી ઓફરમાં ફસાવી રૃ.૧૨ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
ઠગોએ ઇન્વેસ્ટરને વિશ્વાસમાં લેવા રૃ.૨.૧૬લાખ પરત કર્યા હતા.પરંતુ બાકીના રૃ.૯.૮૯ લાખ ચૂકવ્યા નહતા.જેથી સાયબર સેલે ગુનો નોંધી બેન્ક ડીટેલ તેમજ અન્ય સોર્સને આધારે આરોપીઓની વિગત મેળવી હતી.
આ પ્રકરણમાં મેહુલ કપુરજી ઠાકોર (છાબલીયા ગામ,વડનગર,મહેસાણા)નું નામ ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે ૨૧ મહિનાથી ફરાર આરોપીના ઘેર વોચ રાખી હતી.પોલીસને જોઇ ભાગવા જતાં તેનો પીછો કરી ખેતરમાંથી ઝડપી પાડયો હતો.સાયબર સેલ દ્વારા આરોપીની સંડોવણી બાબતે પૂછપરછ કરવામાં આવશે.