માંજલપુરમાં શ્રીજીની મૂર્તિઓનું સ્ટ્રક્ચર તોડી પાડનાર યુવક ઝડપાયો

વડોદરા,માંજલપુરમાં ચોરીના કેબલ સંતાડવાના મુદ્દે થયેલા તકરારની અદાવતે શ્રીજીની મૂર્તિઓનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી એકને ઝડપી પાડયો છે.
માંજલપુર વિસ્તારમાં શ્રીજીની મૂર્તિઓનું સ્ટ્રક્ચર તોડવા બાબતે મૂર્તિકારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે એન.સી. ફરિયાદ નોંધી હતી. પી.આઇ. એલ.ડી. ગમારાએ હાથ ધરેલી તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, ગત ૨૧ મી જૂને ચોરીના વાયર માંજલપુર લક્ષ્મી નારાયણ મંદિર પાસે સંતાડવા બાબતે ત્યાં મૂર્તિઓ બનાવતા કારીગર સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી મૂર્તિકારે બનાવેલા સ્ટ્રક્ચર તોડી નાંખ્યા હતા. જેથી, પોલીસે એન.સી.ફરિયાદમાં અક્ષયકુમાર ભાઇલાલભાઇ માળી (રહે. મહાકાળી નગર, વિશ્વામિત્રી બ્રિજ નજીક) ને ઝડપી પાડયો છે. જ્યારે તેના સાથીદાર ધવલ ગોવિંદભાઇ પાટણવાડિયા (રહે. જય સંતોષી નગર, વુડાના મકાનમાં, ખિસકોલી સર્કલ) ની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બૂલેટ ટ્રેનની જગ્યા પરથી કેબલ ચોરીનો ગુનો દાખલ કરી પોલીસે અક્ષય તથા મનિષ ખુમાનભાઇ નિનામા (રહે. અવધૂત ફાટક, માંજલપુર રોડ) ની ધરપકડ કરી છે. જ્યારે ધવલ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ૨૫,૬૦૦ રૃપિયાના કેબલ કબજે કર્યા છે.








