Amreli News: અમરેલી જિલ્લાના કુકાવાવ પંથકમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. કુકાવાવ-દેરડી રોડ પર આવેલી એક વાડીના કૂવામાંથી પરપ્રાંતિય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પરપ્રાંતિય યુવતી હોવાનું જાણવા મળ્યું
મળતી માહિતી મુજબ, કુકાવાવથી દેરડી રોડ પર આવેલ રમેશભાઈ વેકરીયા નામના ખેડૂતની વાડીમાં આ ઘટના બની હતી. વાડીના કૂવામાં એક યુવતીનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તપાસ કરતા મૃતક યુવતીની ઓળખ સોના વસુનીયા તરીકે થઈ છે, જે પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે.
ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો
ઘટના અંગે અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવો ઊંડો હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પોલીસ તપાસ શરૂ કરી
યુવતી કૂવામાં કેવી રીતે પડી? આ આત્મહત્યા છે, અકસ્માત કે અન્ય કોઈ કારણ? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવશે.


