Gujarat

તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારાયું : આરોપી યુપીથી ઝબ્બે

By GS TEAM
25 Jun 20252 mins read
તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારાયું : આરોપી યુપીથી ઝબ્બે

બે માસ પહેલા રાજકોટમાંથી લાપતા બની હતી

ધો. 8માં અભ્યાસ કરતી છાત્રાને તેના જ વિસ્તારમાં રહેતા આરોપી સાથે પરીચય થયા બાદ ભગાડી ગયો હતો

રાજકોટ: રાજકોટમાં પરિવાર સાથે રહેતી અને ધો. ૮માં અભ્યાસ કરતી મૂળ બિહારની ૧૪ વર્ષની તરૂણીનું બે માસ પહેલા અપહરણ  કરાયાની ફરિયાદ નોંધાવાઇ હતી.જે ગુનાનો ભેદ માલવિયાનગર પોલીસે ઉકેલી આરોપી પિન્ટુ રાજુભાઈ રાણા (ઉ.વ.૨૬)ને યુપીથી પકડી સગીરાને શોધી કાઢી હતી. આરોપીએ તરૂણી પર અવારનવાર દુષ્કર્મ આચર્યાનું ખુલતા માલવિયાનગર પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં રહી મજૂરી કામ કરતા મૂળ બિહારના પરિવારની ૧૪ વર્ષની પુત્રી ધો. ૮માં અભ્યાસ કરતી હતી. બે માસ પહેલા તે લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ક્યાય પત્તો નહીં લાગતા ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

આ તરફ તરૂણીના જ વિસ્તારમાં રહી કારખાનામાં કામ કરતો મૂળ યુપીનો પિન્ટુ પણ લાપતા હોય તે તરૂણીનું અપહરણ કરી ગયાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પિન્ટુ તેના વતનમાં હોવાની માહિતીના આધારે માલવિયાનગર પોલીસની ટીમે પિન્ટુના વતનમાં જઇ તેને પકડી લેતા તે તરૂણીનું અપહરણ કરી ગયાનું ખુલતા બંનેને રાજકોટ લાવી હતી.

ત્યારબાદ તરૂણીને તેના પરિવારજનોને સોંપી આરોપી પિન્ટુની વિધિવત ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી પિન્ટુ છેલ્લા બે વર્ષથી ભોગ બનનાર તરૂણીનાં વિસ્તારમાં રહેતો હોવાથી બંને વચ્ચે પરીચય થયો હતો. બાદમાં બે માસ પહેલા તે તરૂણીનું અપહરણ કરી તેના વતન લઇ ગયો હતો. બીજી તરફ તરૂણીની પૂછપરછમાં આરોપીએ તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનું જણાવતા પીઆઈ દેસાઇ અને મહેશભાઈ રૂદાલતાએ આ અંગે પોક્સો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તરૂણીનું તબીબી પરિક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે.