જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વેપારી યુવાને જીવ ગુમાવ્યો

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક 'હીટ એન્ડ રન'નો બનાવ બન્યો હતો, જેમાં એક બાઈક સવાર વેપારી યુવાનને અજ્ઞાત વાહનના ચાલકે ચગદી નાખતાં કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર ની ભાગોળે ગોવર્ધન ગ્રીન્સ સોસાયટીમાં રહેતા અને વોટર સપ્લાય નો વ્યવસાય કરતા વનરાજસિંહ ભગવતસિંહ રાઠોડ નામના 43 વર્ષના વેપારી ગઈકાલે પોતાનું જી.જે. 10 ડી.એક્સ 7774 નંબરનું મોટર સાયકલ લઈને મોટી ખાવડી ગામ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન લાખાબાવળ ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે તેઓને હડફેટમાં લઈને ચગદી નાખ્યા હતા. જેઓનું માથું છૂંદાઈ ગયું હતું, અને ખોપડી ફાટી ગઈ હતી. ઉપરાંત શરીરમાં અનેક જગ્યાએ ફ્રેકચર સહિતની ઇજાઓ થવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જયારે આજ્ઞાત વાહન ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટયો હતો.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર જયરાજસિંહ વનરાજ લસિંહ રાઠોડે સિક્કા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વાહનચાલકની શોધખોળ શરૂ કરાવાઈ છે, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

