ગેરકાયદે અમેરિકા ગયેલા યુવકોએ કમાયેલા નાણાં હવાલા મારફતે પરિવારજનોને મોકલ્યાં
- કાયદા કડક બનાવતા કબૂતરબાજીથી ગયેલા ચરોતરના યુવકોમાં ફફડાટ
- દિવસે કામે જવા અને બહાર નિકળવાનું યુવકોએ ટાળ્યું : વિવિધ સમાજના સંગઠનોએ ખાનગી બેઠકો યોજીને યુવકોને સાવધાન રહેવા અને કોઇ પ્રકારનું જોખમ ન ખેડવા સૂચના આપી
આણંદ : અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહેલા નોન ઈમિગ્રન્ટ માટે કડક કાયદા અમલમાં લાવવામાં આવી રહ્યાં છે. પરિણામે આણંદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર સહિત રાજ્ય અને દેશભરમાંથી ગેરકાયદે ગયેલા ભારતીય યુવકોને પરત ભારતમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં આણંદના પેટલાદની શિવાની ગોસ્વામી નામની યુવતી પણ પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા ચરોતરના યુવકે જણાવ્યું હતું કે, અગાઉ પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિનું ઓળખકાર્ડ કે વિઝા સંદર્ભે પૂછપરછ કરવામાં આવતી ન હતી. પરંતુ હવે કાયદો કડક થતાં સ્થાનિક પોલીસ કોઈપણ વ્યક્તિને અટકાવીને વિઝા, પાસપોર્ટ, આઈડી સંદર્ભે પૂછપરછ કરી રહી છે અને શંકા જાય તો સાથે પકડી જાય છે. જેથી ગેરકાયદે રહેતા યુવકોમાં ફફડાટ ફેલાયો છે.
પેનસીવિલિયામાં રહેતા ચરોતરના યુવકે જણાવ્યું હતું કે, ડરના કારણે નોન ઈમિગ્રન્ટ યુવકો દિવસ દરમિયાન દૂધ, બ્રેડ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા પણ નીકળતા નથી. મોટલ, ગેસ સ્ટેશન, સ્ટોરમાં નોકરી કરતા યુવકો દિવસે નોકરી કરવા જવાનું ટાળી રહ્યા છે. પરિણામે સ્ટોરના માલિકોને પણ દિવસ દરમિયાન કામદારોની અછત વર્તાઈ રહી છે. ન્યૂજર્સીમાં રહેતા અન્ય યુવકે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસમાં કરોડો રૂપિયાના હવાલા ભારતમાં કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદે રહેતા યુવકો ગમે ત્યારે પકડાઈ જાય તો પહેરેલા કપડે ભારત પરત આવવું પડે તેવી સ્થિતિ છે. જેથી ગેરકાયદે આવેલા યુવકોએ પોતે કમાયેલી મૂડી તાત્કાલિક હવાલા મારફતે પરિવારજનોને મોકલવામાં આવી રહી છે. અમેરિકામાં ચરોતરના વિવિધ સમાજના સંગઠનો દ્વારા પણ ખાનગી બેઠકો યોજીને પોતાના સમાજના યુવકોને સાવધાન રહેવા અને જોખમ ન ખેડવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ સંગઠનના અગ્રણીઓના સંપર્ક નંબર, સંકટ સમયે કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો સહિતની માહિતીઓ આપવામાં આવી છે.
આણંદ જિલ્લાના પરિવારોમાં સ્વજન પાછા આવવાની ચિંતા સાથે સ્વજનને અમેરિકા મોકલવા માટે લાખો રૂપિયાનું દેવું કર્યું છે તે કેવી રીતે ભરવું તેની ચિંતા સેવાઈ રહી છે.
ગેરકાયદે અમેરિકા જવા 80 લાખથી એક કરોડ ચૂકવાય છે
આણંદ જિલ્લા સહિત ચરોતરમાંથી ગેરકાયદે અમેરિકા જવા માટે યુવકો દ્વારા એજન્ટોને રૂ.૮૦ લાખથી એક કરોડ ચૂકવવામાં આવી રહ્યા છે. યુવકોને મેક્સિકો સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાંથી કબૂતરબાજીથી દિવાલ કુદીને, બોટ મારફતે ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવામાં આવે છે.
2500 થી 15 હજાર ડોલરના બોન્ડ ભરી યુવકોને જેલમાંથી છોડાવાય છે
મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘુસેલા યુવકોને મિલિટ્રીની જેલમાં રાખવામાં આવે છે. તેમની પૂછપરછ કરવામાં આવે ત્યારે એજન્ટોએ અગાઉથી પોપટની જેમ રટાવી દીધેલું નિવેદન આપવામાં આવે છે. મિલિટ્રી દ્વારા યુવકોને સાદી જેલમાં રાખવામાં આવે છે. જેમાં બે સમય જમવાનું, નાસ્તો, લાઈબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવે છે. જેલમાં કેસના નંબર મુજબ યુવકોને બોલાવવામાં આવે છે. તેમના વકીલ બોન્ડ ભરીને યુવકોને છોડાવી તેમના સ્વજનોને ત્યાં રવાના કરે છે. બોન્ડની રકમ ૨,૫૦૦થી ૧૫,૦૦૦ ડોલર સુધીની હોવાનું જાણવા મળ્યું છે.