Gujarat

વાડજમાં માથાભારે પ્રેમી યુવકે યુવતીની હત્યાના ઇરાદે છરીના ઘા ઝીક્યાં

By GS TEAM
26 Jun 20252 mins read
વાડજમાં માથાભારે પ્રેમી યુવકે યુવતીની હત્યાના ઇરાદે છરીના ઘા ઝીક્યાં

અમદાવાદ,ગુરૂવાર

સુરતમાં ગત ફેબુ્રઆરી ૨૦૨૫માં એક તરફી પ્રેમમાં યુવકે ગ્રીષ્મા નામની યુવતીને તેના જ પરિવારની સામે જ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. અમદાવાદના જુના વાડજમાં આ પ્રકારની ગંભીર ઘટના બનતા અટકી હતી. જેમાં યુવતી અન્ય કોઇ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને યુવકે છરીના ઘા મારવા પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતી અને તેના પરિવારના એક સભ્યને ઇજા પહોંચી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શહેરના જુના વાડજમાં રહેતી ૧૯ વર્ષીય પાયલ  નામની યુવતી વાડજમાં જ રહેતા ગૌતમ મકવાણા નામના યુવક સાથે મિત્રતા બાદ પ્રેમ સંબધ બંધાયો હતો. જેથી તે અવારનવાર તેને મળતી હતી.  બુધવારે સાંજના સમયે  પાયલ  તેના ઘરની બહાર બેઠી હતી. ત્યારે ગૌતમ ત્યાં આવ્યો હતો અને તેણે પાયલને ધમકાવીને કહ્યુ હતુ કે તું કોના સાથે ફરે છે અને કોની સાથે સંબધ રાખે છે? બાદમાં તેને ગડદા પાટુનો માર માર્યો હતો. આ સમયે પાયલે બુમાબુમ કરતા ગૌતમ ત્યાંથી નાસી ગયો હતો.

બાદમાં રાતના  આઠ વાગે તે ફરીથી આવ્યો હતો અને તેણે છરો બતાવીને કહ્યું હતું કે તને મારી નાખીશ. આ સમયે પાયલના માસી અને માસી આવી જતા તેમણે ગૌતમને જતા રહેવાનું કહેતા તેણે છરી કાઢીને પાયલને મારી હતી અને તેને બચાવવા જતા પાયલના માસીને પણ છરીનો ઘા વાગ્યો હતો. આ સમયે બુમાબુમ થતા ગૌતમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ બનાવ બાદ પાયલ અને તેના ઇજાગ્રસ્ત માસીને  સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

આ અંગે વાડજ પોલીસે ગૌૈતમ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.