શેરબજારમાં નુક્સાન થતા યુવાને ઉત્રાણની ઓફિસમાં ફાંસો ખાધો
- વરાછામાં રહેતો 34 વર્ષીય યોગેશકુમાર સોનવણે પિતરાઇ ભાઇ સાથે મ્યુચ્યુલ ફંડની ઓફિસ ચલાવતો હતો
સુરત :
ઉત્રાણમાં મ્યુચ્યુલ ફંડની ઓફિસમાં શેર બજારમાં નુકસાન જતા ટેન્શનમાં આવી યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનિકુમાર રોડ ઉપર રતનજીનગરમાં રહેતો ૩૪ વર્ષ યોગેશકુમાર ખંડેરાવ સોનવણે શુક્રવારે રાત્રે ઉત્રાણમાં વીઆઈપી સર્કલ પાસે રોયલ સ્ક્વેર ખાતે મ્યુચ્યુલ ફંડની ઓફિસમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પરિચિત વ્યક્તિની નજર પડતા તેને નીચે ઉતારી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટીએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યુ કે, યોગેશકુમાર મુળ મહારાષ્ટ્રના ધુલીયાનો વતની હતો. તેને શેરબજારમાં નુકશાન જવાથી સતત માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ. જોકે તે પિતરાઇ ભાઇ સાથે મ્યુચ્યુલ ફંડની ઓફિસ ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. આ અંગે ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી છે.