Vadodara : વડોદરા સાવલી તાલુકાના મંજુસર ગામની વસાહતમાં રહેતા પરપ્રાંતિય પરિવારના એક યુવકને તેના જ પરિવારના સભ્યો સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેના કારણે ગત મોડી રાત્રે યુવકને એક બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ફેંકી દીધો હતો. યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લોહી નીંગળતી હાલતમાં લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના મંજુસર ગામની સેન્ચ્યુરી કંપની પાસેની વસાહતમાં રહેતા 25 વર્ષના અનુજ છનનુલાલ સકસેનાને અગાઉ તેમની જ વસાહતમાં રહેતા પરિવારના સદસ્યો સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો. ગત રાત્રે 11 વાગ્યા બાદ તેઓ સેન્ચ્યુરી કંપની પાસેથી પસાર થતા હતા ત્યારે તેમના પરિવારના સદસ્યો તેમને મળી ગયા હતા અને તેને પરાણે કંપનીની સામેની એક બિલ્ડીંગના પાંચમા માળે લઈ ગયા હતા અને ત્યાંથી તેને ફંગોળી દેવાયો હતો. અનુજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. તપાસ અધિકારી સતીષ છગનભાઈના જણાવ્યા અનુસાર બંને પક્ષે તકરાર થઈ હતી. તેને કારણે યુવકને ઇજા પહોંચી છે. અને બંને પક્ષે સમાધાન માટેની વાત ચાલી રહી છે. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.


