Get The App

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણીના મામલે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણીના મામલે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો 1 - image

Jamnagar : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી સચીનભાઈ કિશોરભાઈ કંટીરાયા (ઉં.વ.27, રહે નવાગામ ઘેડ, જામનગર) નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે આશરે દોઢ વર્ષ અગાઉ તેમના જ વિસ્તારના સુરેશભાઈ રમેશભાઈ મકવાણાને રૂ.80,000 હાથ ઉછીના આપ્યા હતા. જેમાંથી આરોપીએ તબક્કાવાર રૂ.20,000 પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ.60,000 બાકી હતા.

ગત 14 જૂનના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે ફરિયાદી નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર પાસે બેઠા હતા ત્યારે સુરેશ મકવાણા ત્યાં આવ્યો હતો. ફરિયાદીએ બાકી રહેલા રૂપિયા અંગે વાત કરતાં આરોપીએ પહેલા રૂપિયા લાવી આપવાની વાત કરી ઘરે ગયો હતો, પરંતુ થોડા સમય બાદ પરત આવી ફરિયાદીને રૂપિયા નહીં આપવાના હોવાનું કહી ઉશ્કેરાયો હતો.

ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને ગાળો આપી ધમકી આપી હતી કે "આજ તો તને પતાવી દેવો છે" તેમ કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી પેટના ભાગે ઘા ઝીંક્યો હતો. હુમલાના કારણે ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર પડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઇજાગ્રસ્ત સચીનભાઈને તેમના સગા અને મિત્ર દ્વારા તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પેટનું ઓપરેશન કરી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે સુરેશભાઈ રમેશભાઈ મકવાણા (રહે નવાગામ ઘેડ, જામનગર) સામે ગાળો આપવી, ધમકી આપવી, જીવલેણ હુમલો કરવો તેમજ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.