મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ... કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો
Vadodara Crime : વડોદરા સુભાનપુરા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક યુવકનું મોબાઈલ પર લોકેશન લીધા બાદ શક્તિ નામના હુમલાખોર અને તેના સાગરીતોએ ખૂની હુમલો કરતા પોલીસે બે કારમાં આવેલા હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
સુભાનપુરાના આકાશ કોમ્પ્લેક્સમાં રહેતા અને વાઘોડિયા રોડ પર નાસ્તાની લારી ધરાવતા ગૌરાંગ પઢિયારે પોલીસને કહ્યું છે કે, મારી લારી પર પાંચ જણા કામ કરે છે. જેમાંથી નીરવ નામના માણસનો મારા પર ફોન આવ્યો હતો. આ ફોન ઉપર એક યુવકે કહ્યું હતું કે હું શક્તિ બોલું છું તારો માણસ જમવાનું આપતો નથી અને ખલાસ થઈ ગયું છે તેમ કહે છે. જો અમને જમવાનું નહીં મળે તો તને ઘેર આવીને મારીશું.
ત્યારબાદ શક્તિએ ગાળો ભાંડતા ગૌરાંગે ગાળો નહીં બોલવા કહ્યું હતું. શક્તિએ તેનું સરનામું માગ્યું હતું. જેથી ગૌરાંગે સરનામું અને મોબાઈલ લોકેશન આપ્યા હતા. ત્યારબાદ થોડી જ વારમાં બે કારમાં ત્રણથી ચાર જણા આવ્યા હતા. તેમણે માર માર્યો હતો અને એક હુમલાખોરે ચપ્પુના ચાર ઘા ઝીંક્યા હતા. લોકો ભેગા થઈ જતા હુમલા ખોરો ભાગી છૂટ્યા હતા. ગોરવા પોલીસે બનાવ અંગે ગુનો નોધી હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.