વડોદરાના આજવા રોડ પર દશામાની મૂર્તિઓના વિસર્જનની રાત્રે પ્રેમ સંબંધની અદાવતે યુવક પર હુમલો
Vadodara Crime : વડોદરાના આજવા રોડ પર દત્તનગરમાં રહેતા અને ગેસ સિલિન્ડરની ડિલિવરી બોય તરીકે નોકરી કરતા જયેશ જીગ્નેશભાઈ ઠાકોરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો તેની જાણ તેના પરિવારમાં થઈ જતા અમારે ઝઘડો થયો હતો અને ત્યારબાદ અમારા વચ્ચે સમાધાન થઈ ગયું હતું. ગત ત્રીજી તારીખે સવારે 4:00 વાગે હું તથા મારો ભાઈ નીતિન અને મામાનો દીકરો દશામાના વિસર્જનમાં ગયા હતા. તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખી વિષ્ણુ ઉર્ફે સાગર પરમાર, પિયુષ, કમલ અને ભાર્ગવે મારા પર હુમલો કર્યો. સાગર તેના હાથમાં પહેરેલા કળા વડે મને માથાના ભાગે મારતા હું નીચે પડી ગયો હતો. પિયુષે મને ધમકી આપી હતી કે હવે તું મને મળે તો જાનતે મારી નાખીશ. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે 20 વર્ષની પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2023 માં થયા હતા દોઢ વર્ષ પૂર્વે મારે જયેશ ઉર્ફે સોનું જીગ્નેશભાઈ ઠાકોર રહે દત્તનગર પંચમ ચાર રસ્તા પાસે આજવા રોડ સાથે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા વાતચીત થતી હતી અને અમારે વચ્ચે મિત્રતા થઈ હતી. તે બાબતની જાણ જે તે સમયે મારા પતિને તે થતા મારા પતિ તથા જયેશ વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે મેં જયેશને સ્પષ્ટ જણાવી કે આજ પછી મારો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરતો નહીં.
ત્રીજી તારીખે મળસ્કે 4:00 વાગે હું દશામાના વિસર્જન માટે ગઈ હતી. તે દરમિયાન જયેશ મારી પાછળ આવી પીછો કરી મને બોલવાનો તથા મારી સાથે વાત કરવા માટે ઈશારા કરતો હતો. મેં તેને સ્પષ્ટ કહ્યું કે મારે તારી સાથે વાત કરવી નથી અને તું મારો પીછો કરીશ નહીં તેમ છતાં તે મારો પીછો કરી વારંવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરતો હતો.