Get The App

ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી મોતને ઘાટ ઉતાર્યો !

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી મોતને ઘાટ ઉતાર્યો ! 1 - image

Bharuch Crime : ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ ખાતે રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક સહિતના આરોપીઓ વિરુદ્ધ બીએનએસ 281,105 તથા એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉજમબેન ભોગીલાલ વસાવાની ફરિયાદ હતી કે, ગઈકાલે તા.13 ઓગસ્ટના રોજ સવારે મે પતિ ભોગીલાલ સાથે બાઈક ઉપર બાડાબેડા માર્ગ ઉપર અમારું ખેતર આવેલું હોય પશુઓ માટે ઘાસચારો લેવા નીકળ્યા હતા. તે વખતે શિયાલી ચોકડીથી શિયાલી ગામ તરફના માર્ગ ઉપર એક ટ્રક ઉભી હતી. અને અમે અમારા ખેતરમાં જઈને ઘાસચારો કાપી રહ્યા હતા. ત્યારબાદ તે ટ્રક શિયાલી બાડાબેડા ત્રણ રસ્તા પાસે આવીને ઊભી રહી હતી. બાઈક ઉપર ઘાસચારો બાંધી મારા પતિ ઘરે જવા નીકળ્યા હતા. તેમની પાછળ હું ઘરે જવા માટે ચાલતા જતી હતી. તે સમયે બાડાબેડા ત્રણ રસ્તા પાસે ઉભી રહેલ ટ્રકના ચાલકે ફૂલ સ્પીડે ટ્રક હંકારતા મે બુમો પાડી ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રકે બાઈક સવાર મારા પતિને અડફેટે લઈ  બાઈક દૂર સુધી ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં પતિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક લઈ શિયાલી ચાર રસ્તા તરફ નાસી છૂટ્યો હતો. ટ્રકનો કબ્જો દિલીપભાઈ છોટુભાઈ વસાવા અને રણજીતભાઈ વસાવા પાસે હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી કેટલાક લોકોએ પડદા પાછળ રહી આ કૃત્ય આચર્યું હોવાનું જણાય છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ટ્રક નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.