Jamnagar Crime : જામનગરમાં ભીમવાસ શબરીનગર વિસ્તારમાં રહેતા નીરજ ઉર્ફે સોનુ ધીરુભાઈ પરમાર નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનો ધીરુભા જાડેજા, દેવેન્દ્રસિંહ ધીરુભા જાડેજા, ભૂરો ઉર્ફે વિકી ગોપાલભાઈ કાપડિયા, અને નિલેશ ઉર્ફે નીલીય મુકેશભાઈ અઘેરા સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે તેને હાથ પગ અને શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેને હાથમાં તથા પગમાં અનેક સ્થળે ફેક્ચર થયા હોવાનું જાહેર કરાયું છે, જેની સધન સારવાર ચાલી રહી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓ અગાઉ દારૂનો નશો કરીને જાહેરમાં બેઠા હોવાથી ફરીયાદી યુવાનના ભાઈએ ઠપકો આપ્યો હતો, જે અંગેનું મનદુઃખ ચાલતું હતું, અને અગાઉ આ બાબતે સમાધાન થયું હતું. પરંતુ આરોપીઓએ મનમાં રાગદ્વેષ રાખ્યો હતો, અને ગઈકાલે ફરિયાદી યુવાન પોતાના સાસુ-સસરાના ઘેર સૂતો હતો, ત્યાંથી ચારેય આરોપીઓએ ઉઠાડીને બહાર કાઢ્યો હતો, અને તેના ઉપર આ હુમલો કરી દીધો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને તેના સાસુ સસરા સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. સમગ્ર મામલામાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ ટી.કે.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


