લવ મેરેજ કરનાર યુવકે દગો કર્યો, વડોદરા બસ સ્ટેન્ડ પર યુવતીને છોડી ભાગી છૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : પરિવારની વિરુદ્ધમાં જઈ લગ્ન કરનાર બિહારની એક યુવતી સાથે દગો થતા તે દયનીય હાલતમાં મુકાઈ ગઈ હતી.
વડોદરા એસટી ડેપો પર ગઈકાલે બપોરે એક યુવતી ગભરાયેલી હાલતમાં આમથી તેમ ફરીને રડી રહી હોવાથી એક સદગૃહસ્થ તેની મદદે આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બિહારની યુવતી પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે ભાગી છૂટી હોવાની વિગતો જાણવા મળી હતી.
પ્રેમ લગ્ન કરનાર આ યુવતી તેના પ્રેમી સાથે મુંબઈ ગઈ હતી અને ત્યાંથી અમદાવાદ થઈ વડોદરા સ્થાયી થવા માટે આવી હતી. પરંતુ વડોદરા બસ ડેપો પર જ તેને પ્રેમીનો વરવો અનુભવ થયો હતો. પતિએ પિયરમાં સંપર્ક કરી મદદ માગવા માટે આગ્રહ રાખ્યો હતો. પરંતુ પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કર્યા હોવાથી પત્નીએ ઇનકાર કરી દીધો હતો.
જેથી નારાજ પતિ પત્નીને બેસાડી પાણી લેવાના બહાને ચાલ્યો ગયો હતો. ત્રણથી ચાર કલાક સુધી પતિનો પત્તો નહીં લાગતા ગભરાઈ ગયેલી હોવાથી યુવતી રડવા માંડી હતી. વળી પતિના મોબાઇલની પણ તેને જાણકારી નહીં હોવાથી તેની હાલત વધુ કફોડી બની હતી.
યુવતીની પરિસ્થિતિ જોઈ મદદે આવેલા સદગૃહસ્થે આ અંગે અભયમને જાણ કરતાં તેના પતિની આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પત્તો નહીં લાગતા આખરે સિવિલ હોસ્પિટલ ખાતે સખી વન ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવ્યો હતો.









