Gujarat

મિત્રને પ્રેમસંબંધમાં મદદ કરતો હોવાની શંકાથી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

By GS TEAM
19 Jun 20252 mins read
મિત્રને પ્રેમસંબંધમાં મદદ કરતો હોવાની શંકાથી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

મોરબીમાં સરાજાહેર થયેલા ઘાતકી હુમલામાં કારણ ખુલ્યું : વર્ષ - 2017થી ચાલતી માથાકૂટમાં બે પોલીસ  ફરિયાદ નોંધાયા બાદ અંતે સાત શખ્સોએ કાવતરૂં ઘડીને યુવાનનું ઢીમ ઢાળી દીધું : ગુનો દાખલ

મોરબી, : મોરબીની લીલાપર ચોકડીએ ગઇકાલે સાંજે ૨૭ વર્ષના યુવાનને સાત ઇસમોએ મળીને છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી છે, જે બનાવ મામલે મૃતકના માતાએ સાત આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મિત્રને પ્રેમસંબંધમાં મદદ કરતો હોવાની શંકાથી ચાલતી માથાકૂટમાં હત્યા કરાયાનું ખુલ્યું છે. મોરબીના વજેપર શેરી નં. 13માં રહેતા ભાવનાબેન નારણભાઈ કણઝારીયાએ આરોપીઓ દિલીપ મહેશ કણઝારીયા, અરવિંદ ઉર્ફે મુન્નો ડાયાભાઇ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઇ પરમાર, મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઇ પરમાર, જગાભાઇ ડાયાભાઇ પરમાર અને અમિત મહેશ ઉર્ફે પાંચો પરમાર (રહે. બધા મોરબી) વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપી મહેશ પાંચો ડાયાભાઇની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતા. અને ફરિયાદીના દીકરા ગીરીશ કણઝારીયા (ઉ.વ. 27) તેને મદદ કરતો હોવાનો શંક વહેમ રાખી ફરિયાદીના દીકરા વિરૂદ્ધ વર્ષ 2917માં પોલીસ ફરિયાદ કરી હતી. અને બે દિવસ પૂર્વે આરોપી દિલીપ મહેશ સાથે ફરિયાદીના દીકરાને ગાળો બોલવા બાબતે મારામારી થઇ હતી.

જેનો રાગદ્વેષ રાખી આરોપીઓએ લીલાપર ચોકડી પાસે ફરિયાદીના દીકરા ગીરીશને ગાળો અપાઈ આરોપી દિલીપ મહેશે છરીના ઘા ઝીંકી અને આરોપી કિશન, પ્રભુ, મહેશ સહિતનાએ લાકડાના ધોકા વડે માર મારી તેમજ અમિતે પાઈપ વડે માર મારી આરોપી જગાભાઇએ પકડી રાખ્યો અને અરવિંદે પથ્થર વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

2 દિવસ પૂર્વે મારામારી થઇ હતી 

મૃતક ગીરીશ વિરૂદ્ધ આરોપીઓએ વર્ષ 2017માં ફરિયાદ નોંધાવી હતી. તેમજ હત્યાના બનાવના બે દિવસ પૂર્વે આરોપી દિલીપ સાથે ગાળો બોલવા બાબતે મારામારી થઇ હતી. જેની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે મારામારીના બે દિવસ બાદ સાત આરોપીઓએ એક સંપ કરી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.