Get The App

રાજકોટ નજીકના જામગઢ ગામે વાડીમાં યુવાનની હત્યા

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટ નજીકના જામગઢ ગામે વાડીમાં યુવાનની હત્યા 1 - image


હત્યા પાછળનાં કારણ અંગે રહસ્ય

હત્યાનો ભેદ ઉકેલવા કુવાડવા રોડ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝંપલાવ્યું

રાજકોટ: રાજકોટ નજીકના જામગઢ ગામે રહેતા મુકેશ વેલાભાઈ વાવડીયા (ઉ.વ.૩૩)ની તેની જ વાડીમાં હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કોણે અને કયા કારણસર કરી તે અંગે પોલીસને કોઈ માહિતી મળી નથી. કુવાડવા રોડ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું છે. 

હત્યાનો ભોગ બનનાર મુકેશ બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો.  તે મોટાભાઈ સાથે રહેતો હતો. બીજા નંબરની બહેન શોભનાબેન વાંકાનેરના જીવાપર ગામે અને ત્રીજા નંબરની બહેન ભાનુબેન બેટી ગામે સાસરે છે. માતા-પિતા નિવૃત જીવન ગુજારે છે. 

ગઈકાલે સાંજે મુકેશ ઘરે જમ્યા બાદ   નિત્યક્રમ મુજબ બહાર નીકળી ગયો હતો. તે દરરોજ રાત્રે વાડીએ સુવા માટે જતો રહેતો હતો. જે મુજબ ઘરેથી નીકળી ગયા બાદ વાડીએ સુવા જતો રહ્યો હતો. આજે સવારે તેનો મોટો ભાઈ વિનુભાઈ ઉર્ફે વિનાએ ઘરેથી નકટી નામની પોતાની વાડીએ પહોંચીને જોયું તો ખાટલામાં તેનો નાનોભાઈ મુકેશ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. 

તેના મોઢાના, આંખના અને કપાળના ભાગે હથિયાર વડે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી તત્કાળ સગા-સંબંધીઓને જાણ કર્યા બાદ પોલીસ અને ૧૦૮ બોલાવી હતી. ૧૦૮ના તબીબે મુકેશને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં કુવાડવા રોડ પોલીસે સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. 

કુવાડવા રોડ પોલીસે વિનુભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે મૃતકનો મોબાઈલ સ્થળ પરથી મળ્યો છે. જે જોતાં લુંટના ઈરાદે હત્યા નહીં થયાનું જણાય છે. હત્યા કોણે અને કયા કારણસર કરી તે બાબતે કુવાડવા રોડ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું છે. 

શરૂઆતમાં બનાવ હત્યાનો હોવાની જાણ ન હોવાથી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. 

Tags :