Get The App

કાલાવડના છત્તર ગામના યુવાન પર જુના પોલીસ કેસના મનદુઃખમાં 4 ભાડૂતી માણસો મારફતે હુમલો કરાવ્યો : પાંચ સામે ફરિયાદ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડના છત્તર ગામના યુવાન પર જુના પોલીસ કેસના મનદુઃખમાં 4 ભાડૂતી માણસો મારફતે હુમલો કરાવ્યો : પાંચ સામે ફરિયાદ 1 - image

Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છત્તર ગામમાં રહેતા હાર્દિક પરસોત્તમભાઈ તાળા નામના 35 વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે સાજીદ મલેક અને તેના અન્ય ચાર સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવાને આરોપી સાજીદ સામે અગાઉ પોલીસ કેસ કર્યો હતો, જેના મન દુઃખના કારણે સાજીદ મલેકે પોતાના ચાર માણસોને મોકલીને હુમલો કરાવ્યાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. જયારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઈ રહી છે.

ફરિયાદીએ આરોપી સાજીદભાઈ મલેક વિરુદ્ધ અગાઉ પોલીસ ફરિયાદ કરેલી હતી, જે વાતનો ખાર રાખી ગત તારીખ 29/12/2025 ના રાત્રીના આઠેક વાગ્યે ફરિયાદી તેઓનું આઇસર લઈ જતા હોય જે દરમિયાન આરોપી સાજીદભાઈ ફરિયાદીને સામા મળેલા અને અગાઉથી આયોજન કરી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી મગફળી ખરીદ કેન્દ્ર, કાલાવડ ખાતે આઇસરમાં બેઠેલા હોય ત્યારે ચાર અજાણ્યા આરોપીઓને લોખંડના પાઈપ તથા લાકડા ધોકા લઈ ફરિયાદીને મારી નાખવા મોકલ્યા હતા.

જે ચારેય અજાણ્યા આરોપીઓએ ફરિયાદીને આઇસરમાં થી ખેંચી નીચે ઉતારી આઇસર પાછળ લઈ જઈ આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહી અજાણ્યા આરોપીએ ફરિયાદી ને જાનથી મારી નાખવાના ઇરાદે ફરિયાદીને માથાના ભાગે લોખંડના પાઈપનો જીવલેણ ઘા મારી સાત ટાંકાની ઈજા કરી હતી.  બીજા આરોપીએ ફરિયાદીને જમણી આંખ પાસે નાક પાસે લોખંડના પાઈપનો ઘા મારી ચાર ટાંકા જેવી ઈજા કરી તથા અન્ય બે અજાણ્યા આરોપીઓએ ફરિયાદીને લાકડાના ધોકા વડે શરીરે માર મારી મુંઢ ઈજાઓ કરી ચારેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી તને છેલ્લી વાર જવા દઈએ છીએ હવે પછી સાજીદભાઈ સાથે માથાકૂટ કરી તો જીવ તો મારી નાખીશું, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે પાંચેય આરોપીઓ સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.