જામનગરના યુવાનને રૂપિયા 10 હજારની ઉઘરાણી મામલે સસરા-સાળાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ નોંધાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેરમાં પારિવારિક વિવાદ અને રૂપિયા 10 હજારની ઉઘરાણીના મુદ્દે એક યુવાન પર સસરા અને સાળા દ્વારા હુમલો થયાની ઘટના સામે આવી છે. આ અંગે સિટી-બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી મહમદસલમાનખાન આરિફહુસેન ગુર્જર ઉર્ફે પઠાણ (ઉ.વ.35, રહે. સિલ્વર પાર્ક સોસાયટી, કાલાવાડ નાકા બહાર, જામનગર) ની ફરિયાદ મુજબ, તેઓએ વર્ષ 2021 દરમિયાન પોતાના સસરા રફીકભાઈ કથીરી પાસેથી રૂપિયા 10 હજાર ઉધાર લીધા હતા. ગત રાત્રે પત્ની અલમાઝ પોતાના માતા-પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી ત્યારે ઉધારની રકમ અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાત વીડિયો કોલમાં સાંભળતા સસરા રફીકભાઈ કથીરી ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતા.
ફરિયાદ મુજબ, ફરિયાદી પોતાના રૂમમાં હતા ત્યારે સસરાએ કોઈ બોથડ પદાર્થ વડે કપાળના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેમને ખેંચી અગાશીમાં લઈ જઈ ઝાપટા તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. પરિવારના સભ્યો વચ્ચે પડતા વધુ મારામારી અટકાવવામાં આવી હતી. થોડીવાર બાદ ફરિયાદીના સાળા મુસ્તકીમ ઉર્ફે જાબીર કથીરી પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલામાં કપાળમાંથી લોહી નીકળતાં ફરિયાદીને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ ફરિયાદીએ પોતાના સસરા રફીકભાઈ કથીરી અને સાળા મુસ્તકીમ ઉર્ફે જાબીર કથીરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








