સંબંધી યુવકે જબરદસ્તી ઘરમાં ઘૂસીને પરીણિતાની સાડી ખેંચીને વીડિયો બનાવ્યો,બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું
પરીણિતાને બ્લેકમેલ કરીને વડોદરાની હોટેલમાં લઈ ગયો અને જબરદસ્તીથી શરીર સંબંધો બાંધ્યા
ઘરેથી ગાયબ થયેલી પરીણિતાએ બીજા દિવસે ઘરે આવીને પરિવારને હકિકતની જાણ કરી પોલીસ ફરિયાદ કરી
અમદાવાદઃ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં એક પરીણિતાના ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઈ જાણિતા શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘરનો દરવાજો બંધ કરીને પરીણિતાની સાડી ખેંચી આરોપી શખ્સે તેના મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અવાર નવાર પરીણિતા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. મહિલાએ આરોપી સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરાઈવાડીમાં રહેતી પરીણિતા પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. એક જ મકાનમાં તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેના પતિ હાર્ડવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરીણિતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સન્ની શર્મા નામનો શખ્સ તેમના પરિવાર સાથે સારો સંબંધ ધરાવે છે. આ શખ્સને પરીણિતાના પતિએ તેમનું એક મકાન ભાડેથી રહેવા માટે આપ્યું હતું. પારિવારિક સંબંધો હોવાથી આ શખ્સ પરીણિતાના ઘરે અવર જવર કરતો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ પહેલાં સાંજે ઘરમાં અન્ય સભ્યો સુઈ ગયા હતાં અને પરીણિતા મકાનના ઉપરના માળે કામ અર્થે ગઈ હતી. ત્યાં આ સન્ની પહોંચી ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. પરીણિતાએ બુમો પાડતાં આરોપીએ તેનું મોઢું દબાવી દીધું હતું અને સાડી ખેંચીને મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો.
આરોપીએ પરીણિતાને જણાવ્યું હતું કે, જો તુ મારી સાથે સંબંધ નહીં બાંધે તો આ વીડિયો વાયરલ કરીને બદનામી કરીશ. આવી ધમકી આપીને તેણે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતાં. ત્યાર બાદ તેણે વારંવાર બ્લેકમેલ કરીને પરીણિતાના ઘરમાં જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બે દિવસ પહેલા આરોપીએ પરીણિતાને ફોન કરીને વડોદરાની હોટેલમાં એક રાત વિતાવવા માટે બોલાવી હતી પરિણાતાએ આવવાની ના પાડતાં બ્લેકમેઈલ કરી હતી. ત્યાર બાદ તે પરીણિતાને લઈન વડોદરાની હોટેલમાં ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરીણિતા ઘરેથી ગાયબ થતાં તેના પતિ અને પરિવારે ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યા નહોતા અને ઘરે આવીને સમગ્ર હકિકત જણાવી હતી. ત્યાર બાદ પરીણિતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.