ટ્રકના તોતિંગ પૈંડા યુવાનની ગરદન પર ફરી વળતા સ્થળ પર જ મોત

વડોદરા,હરણી પોલીસને મેસેજ મળ્યો હતો કે, નેશનલ હાઇવે - ૪૮ પર ગોલ્ડન બ્રિજ ઉતરતા દરજીપુરા આર.ટી.ઓ. ઓફિસ તરફ જવાના રસ્તા પર ટ્રકની આગળ ઉભેલા યુવાન પર ટ્રકના પૈંડા ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, યુ.પી.ના જોનપુર જિલ્લાના હરસિંઘપુર ગામે રહેતો પ્રદિપકુમાર રઘુનાથભાઇ પાલ ( ઉં.વ.૩૫) વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને કંપનીમાં જ રહેતો હતો. મહિનામાં એકાદ વખત તે વતન જતો હતો. ગઇકાલે સાંજે પોણા પાંચ વાગ્યે નેશનલ હાઇવે પર દરજીપુરા આર.ટી.ઓ. ઓફિસ તરફ જવાના રોડ પર તે એક ટ્રકની આગળ ઊભો હતો. તે દરમિયાન ટ્રક ડ્રાઇવરે ટ્રક ચાલુ કરી ચલાવતા તે પૈંડા નીચે આવી ગયો હતો. તેના ગરદનના ભાગે જ તોતિંગ પૈંડા ફરી વળતા તે ચગદાઇ જતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. લોકો દોડી આવતા માર પડવાના ડરે ટ્રક ડ્રાઇવર રામચંદ્ર રામમહેશ ગુપ્તા (રહે. પો.રેસિ, જિ.અમેઠી, ગૌરીગંજ, યુ.પી.) સ્થળ પર ટ્રક છોડીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
હરણી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. શરૃઆતમાં મૃતકની ઓળખ થઇ નહતી. તેની પાસેથી મળેલી બેગમાંથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ થઇ હતી. હરણી પોલીસ સ્ટેેશનના પી.એસ.આઇ. એન.એમ.પરમારે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









