છકડા પાછળ ખાનગી બસ ઘુસી જતા યુવાનનું મોતઃ છકડાચાલકને ઈજા
- ગઢડાના ગોરકડા ગામે મેઘાવડિયાના વળાંક પાસે
- સાળંગપરડા ગામે રહેતા જુના કપડાના વ્યવસાયી યુવાન છકડામાં પોટકા ચડાવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ગઢડાના ગોરાકડા ગામે આવેલ મેઘાવડિયા વળાંક પાસે ઊભેલા છકડા રિક્ષા પાછળ ખાનગી બસ ઘુસી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.જ્યારે છકડા રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના સાળંગપરડા રહેતા અને જૂના કાપડનો વ્યવસાય કરતા સુભાષભાઈ એરશીભાઈ સાથળિયા અને બાવસંગભાઈ મેર ગોરાકડા ગામે આવેલ મેઘાવડિયા વળાંક પાસે છકડો રિક્ષા નંબર જીજે.૦૪.યુ.૭૪૨૪ લઈને ઉભા હતા. આ વેળાએ સુભાષભાઈ કપડાંના પોટલા ચડાવતા હતા.તે દરમિયાન બોટાદ તરફથી સંગે શ્યામ નામની ખાનગી બસ નંબર જીજે.૧૪.આઇટી.૭૪૦૦ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડની સાઈડમાં પડેલા છકડા સાથે પાછળથી ધડાકાભેર અથડાવી હતી. જેના કારણે સુભાષભાઈ અને બાવસંગભાઈ બન્નેને ગંભીર ઇજા થઈ હતી.બન્નેને ઇજાગ્રસ્ત હાલતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગઢડાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરની તબીબે તપાસીને સુભાષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના કુટુંબી ભાઈ અરવિંદભાઈ ઉકાભાઈ સાંથળિયાંએ ગઢડા પોલીસ મથકમાં બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.