અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલડી વિસ્તારમાં વહેલી સવારે કેટલાક અજાણ્યા શખસોએ નૈસલ ઠાકોર નામના વ્યક્તિની જાહેરમાં નિર્મમ હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે નૈસલ ઠાકોરની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે (12મી સપ્ટેમ્બર) વહેલી સવારે એક કારમાં આવેલા અજાણ્યા શખસો નૈસલ ઠાકોરને ટક્કર મારી. ત્યારબાદ કારમાંથી ઉતરીને અજાણ્યા શખસોએ નૈસલ ઠાકોરને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નૈસલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો,પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાઓના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની ગંભીરતા સાથે વધુ તપાસ શરૂ કરી છે. હાલ હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે વિવિધ પાસાઓથી તપાસ હાથ ધરી છે.