પર સ્ત્રી સાથે પ્રેમસંબંધ મુદ્દે પત્નીએ ઠપકો આપતાં યુવાનનો આપઘાત

વાંકાનેરના સિંધાવદર ગામે એસિડ પી લીધું : પત્ની 2 બાળકોને લઇ રિસામણે જતી રહેતાં જામનગરમાં યુવકનો ગળાફાંસોઃ વાંકાનેરના રાજસ્થળી ગામે યુવાનની આત્મહત્યા
મોરબી, જામનગર, : વાંકાનેર તાલુકાના સિંધાવદરના રહેવાસી 30 વર્ષિય યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાથી પત્નીએ ઠપકો આપતા યુવાને એસિડ પી લીધું હતું અને યુવાનનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. આ ઉપરાંત, જામનગર તથા રાજસ્થળી ગામે પણ આપઘાતના બે બનાવ નોંધાયા છે.
વાંકાનેર તાલુકાના સિંધાવદર, ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉ.વ. 30)એ એસિડ પી લેતા મોત થયું હતું. બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, મૃતક મનીષભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને પત્નીએ ઠપકો આપ્યો હતો, જેથી લાગી આવતા યુવાને એસિડ પી લેતા મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં ખોડમીલના ઢાળિયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા બ્રિજરાજસિંહ ઉર્ફે લાલો નામના 35 વર્ષના યુવાને પોતાના ઘેર છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સિટી B ડીવીઝનના પીએસઆઈ કે.એન. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવાનની પત્ની છેલ્લા 6 મહિનાથી તેના 2 સંતાનોને લઇને રિસામણે ચાલી ગઇ હતી અને મૃતક યુવાન એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં શ્રી હરિ એન્ટરપ્રાઇઝ એન્ડ સ્ટોન પ્લાન્ટમાં રહીને મજુરી કરતા અખિલેશ ચંદ્રબલી યાદવ (ઉ.વ. 22)એ પોતાની ઓરડીમાં કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપગાત કર્યો હતો. યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.








