પત્ની સાથે વીડિયો કોલ પર મરી જવાની વાત કરતા યુવાનનો આપઘાત
મૂળ બિહારનો યુવક રણોલી ગામમાં છેલ્લા છ મહિનાથી રહેતો હતો

વડોદરા,પત્ની સાથે વીડિયો કોલ પર ઝઘડો થયા પછી ૨૧ વર્ષના યુવાને ગળા ફાંસો ખાઇ લીધો છે.જે અંગે જવાહર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બિહારનો મોહંમદઆલમગીર મોહંમદ અમરૃલહક્ક શેખ (ઉં.વ.૨૧) હાલમાં રણોલી ગામ કૈલાસ પતિ સોસાયટી પાસે અરવિંદભાઇની ચાલીમાં રહેતો હતો અને ટાયરની દુકાનમાં કામ કરતો હતો. ગઇકાલે તેણે ઘરે પતરાની છતના હૂક પર ચાદર વડે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. દરવાજો અડધો ખુલ્લો હોઇ પાડોશીની નજર પડતા તેણે અન્ય લોકોને બોલાવ્યા હતા. બનાવ અંગે જવાહર નગર પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ. રમેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, મોહંમદઆલમગીર તેની પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. વાતચીત દરમિયાન હું મરી જઉં, તેવી પણ વાત કરતો હતો. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

