Get The App

લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત 1 - image


શાપરના નિલમ ગેસ્ટ હાઉસમાં ગળાફાંસો ખાઇ લીધો હતો 

યુવાનને મારી નાખવાની ધમકી આપી મરવા મજબૂર કર્યા બદલ બંને ભાઇઓ સામે શાપર પોલીસમથકમાં નોંધાતો ગુનો

રાજકોટ: મૂળ ગોંડલના કમઢિયા ગામના અને હાલ શાપરની વ્રજવાટીકા સોસાયટીમાં  રહેતા જયદીપ જયંતીભાઇ પરમાર(ઉ.૨૪) એ વેરાવળ રોડ પર આવેલા નિલમ ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર ૧૦૫માં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ તેના ભાઇ સીધ્ધરાજ (ઉ.૨૯,રહે.કમઢીયા)એ સાગર મનજીભાઇ સાગઠીયા અને તેના ભાઇ રવિ (રહે.બન્ને,રંગોલી હાઇટ્સ,કટારીયા ચોકડી પાસે, રાજકોટ, મૂળ જાંબુડા તા.વિસાવદર) સામે ધમકી આપી મરવા મજબૂર કર્યાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સિધ્ધરાજભાઇએ પોલીસને જણાવ્યું કે, તે બે ભાઇઓ અને બે બહેનોમાં વચેટ છે સૌથી નાનો ભાઇ જયદીપ બે વર્ષથી પત્ની સાથે શાપરમાં રહી બજાજ ફાઇનાન્સનાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ગઇકાલે તેના કૌટુંબીક ભાઇ રતીભાઇના મોબાઈલમાં તેના ભાઇ જયદીપના પાર્ટનર આરોપી સાગર અને રવીએ ફોન કરી કહેલું કે ગઇકાલે રાત્રે જયદીપ અને સાગરની પત્નીને અમે બંને ભાઇઓએ શાપર હોટલ પાસે પક્ડયા હતા.

બંનેએ જયદીપને બીજીવાર સાગરની પત્નિ સાથે નહિં દેખાવાનું કહીં દેખાશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી અને બાદમાં જયદીપને જવા દીધાની ફોન પર વાત કરી હતી. આ વાત સાંભળ્યા બાદ તે અને કૌટુંબીક ભાઇ રતી જયદીપને શોધવા માટે નિકળ્યા હતા પરંતુ ક્યાંક પત્તો લાગ્યો ન હતો. તેની ઓફીસે તપાસ કરતા જાણવા મળ્યું કે જયદીપે તેની ઓફીસની ઉપર પ્રગતી મોલમાં આવેલા નિલમ ગેસ્ટ હાઉસનાં રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે જેને શાપર સરકારી હોસ્પિટલમાં લઇ ગયા છે. 

જેથી તે અને તેના કૌટુંબીક ભાઇ સહિતના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં જયદીપને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જાણ થતા શાપર પોલીસે હોસ્પિટલે પહોંચી જરુરી કાર્યવાહી કરી હતી. આમ જયદીપને આરોપી સાગરની પત્નિ સાથે અફેર હોવાથી બંને શાપરમાં ભેગા થયા હતા તે આરોપી સાગરને ખબર પડી જતાં બંને આરોપીએ ઝઘડો કરી ધમકાવતા જયદીપે આત્મઘાતી પગલું ભરી લીધાનું ફરીયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Tags :