રાજકોટમાં મકરસંક્રાંતિનો તહેવાર રક્તરંજિત બન્યો : સહકાર મેઈન રોડ પર છરીના 18 ઘા ઝીંકી રહેંસી નાખ્યો : ચારિત્ર્યની શંકા પરથી માથાકૂટ શરૂ થઈ હતી
રાજકોટ, : રાજકોટમાં મકરસંક્રાંતિનો તહેવાર રકતરંજીત બન્યો હતો. સહકાર મેઈન રોડ પર ગઈકાલે સાંજે મૂળ કાલાવડનાં નાની વાવડી ગામનાં સાવન રમણીકપરી ગોસ્વામી (ઉ.વ. 25) ની આરોપી દર્શન ઉર્ફે ભૂદેવ ભરત ચૌહાણે (22) છરીના અઢાર જેટલા આડેધડ ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવી હતી. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી દર્શન અને તેની મિત્ર વર્ષાની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે, સાવન અગાઉ રિક્ષા ચલાવતો હતો. તે વખતે દારૂનાં ધંધા સાથે સંકળાયેલી વર્ષા સાથે પરિચય થતાં બંને પાંચેક વર્ષથી લીવ ઈનમાં કોઠારીયા રોડ પરનાં ઘનશ્યામનગર-7માં રહેતા હતાં. જયાં વર્ષાનો પુત્ર ધ્રુવીન પણ રહેતો હતો. જે હાલ મર્ડરનાં ગુનામાં જેલમાં છે.
દોઢેક વર્ષ પહેલા વર્ષા દારૂનો ધંધો કરતાં દર્શન ઉર્ફે ભૂદેવનાં પરિચયમાં આવી હતી. જેને કારણે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જેની જાણ સાવનને થતાં તેને વર્ષા સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડા થતા હતાં. તે વર્ષાને તારે દર્શન સાથે સંબંધ છે, તુ તેની સાથે વાત કરે છે, મળવા જાય છે તેમ કહી તેનાં ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આ જ કારસણસર તેણે વર્ષાને આઠેક માસ પહેલા છરીના ઘા પણ ઝીંકી દીધા હતાં. જે અંગે ગુનો નોંધાતા ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. દર્શનની એન્ટ્રી થતાં વર્ષા અને સાવનનાં સંબંધો બગડતાં બન્ને છેલ્લા છ માસથી અલગ રહેતા હતાં.
આ સમય દરમિયાન સાવન અવારનવાર વર્ષા અને દર્શનને કોલ કરી ધાક ધમકી પણ આપતો હતો. પાંચેક દિવસ પહેલા સાવન મિત્રો સાથે દર્શન પર હુમલો કરવા પણ નિકળ્યો હતો. પરંતુ તે નહીં મળતા તેની યોજના નિષ્ફળ નિવડી હતી.
ગઈકાલે સાવન સાથે વર્ષાનો સહકાર મેઈન રોડ પર ભેંટો થઈ જતાં તેને ગાળો ભાંડી હતી. થોડી વાર બાદ સાવને દર્શનને કોલ કરી તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. તે સહકાર મેઈન રોડ પર ગઈકાલે ડેરા-તંબુ તાણી બેસી ગયો હતો. આખરે આ વાત વર્ષાએ કોલ કરી દર્શનને જણાવી હતી. જેને કારણે તેનો પિતો જતા તેણે સાવનને કોલ કરી તું કયાં છો, હું આવું છું તેમ ધમકી પણ આપી હતી.
તે સાથે જ તે છરી લઈ કોઠારીયા સોલવન્ટથી બાઈક લઈ સહકાર મેઈન રોડ પર પહોંચ્યો હતો. જેની ગંધ આવી જતાં ડરી ગેયેલો સાવન છુપાઈ ગયો હતો. આખરે તેને દર્શને શોધી લઈ તેની ઉપર છરીનાં આડેધડ 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વખતે ઘટનાસ્થળે વર્ષાની પણ હાજરી હતી. જે આસપાસનાં લોકોને વચ્ચે પડતાં નહીં, મારી નાખ, મારી નાખ કહી દર્શનને હત્યા માટે પ્રેરતી રહી હતી.
હત્યાની આ ઘટના બાદ ભક્તિનગરનાં પીઆઈ એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતકનાં પિતા રમણીકપરી (ઉ.વ. 63)ની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધી આરોપી વર્ષા ગોપાલ દાતી (ઉ.વ. 45, ઘનશ્યામનગર-7, કોઠારીયા રોડ) અને તેના મિત્ર દર્શન ઉર્ફે ભૂદેવ ભરત ચૌહાણ (ઉ.વ. 22, રહે, સીતારામ સોસાયટી-3, કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી.


